બદ્રીનાથ (ઉત્તરાખંડ): ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ ધામના મુખ્ય દરવાજા ખુલ્યા બાદ હવે ભક્તો ધીરે ધીરે ચોથી ધામ – બદ્રીનાથના દર્શન માટે આતુર બન્યા છે. 30 એપ્રિલથી શરૂ થયેલી ચાર ધામ યાત્રાના અંતિમ સ્થાને, બદ્રીનાથના કપાટ આવતીકાલે એટલે કે 4 મે, 2025ના રોજ ભક્તો માટે ખૂલી જશે.
હિમાલયની ગોદમાં વસેલું આ પવિત્ર ધામ દર વર્ષે શિયાળામાં બંધ રાખવામાં આવે છે અને વસંત ઋતુમાં પુનઃ ખુલવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ચાર ધામની યાત્રા બદ્રીનાથ વિના અધૂરી માનવામાં આવે છે.
મંદિરના દરવાજા ભવ્ય સજાવટ સાથે ખુલશે
બદ્રીનાથ મંદિર અને તેનું વિશાળ સિંહદ્વાર કુલ 25 ક્વિન્ટલ તાજા ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દેશના વિવિધ પ્રદેશો – ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાઈ ચૂક્યા છે. દરવાજા ખુલતા પહેલા જ, શનિવાર સાંજથી મંદિર તરફ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે.
રાવલ કરે છે મુખ્ય પૂજા – મંદિરની આગવી પરંપરા
બદ્રીનાથ ધામમાં મુખ્ય પૂજા કરનારા પુજારીને ‘રાવલ’ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર રાવલજ ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્પર્શી શકે છે અને ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે. કપાટ(મંદિર ના મુખ્ય દરવાજા) ખુલતા પહેલા જોશીમઠ સ્થિત નરસિંહ મંદિર માંથી ભગવાનની ચલ મૂર્તિ અને પૂજા સામગ્રી સાથે યાત્રા કાઢવામાં આવે છે.
કપાટ ખુલ્યા બાદ આગામી છ મહિનાં સુધી મંદિરમાં તલના તેલથી શ્રી હરિ વિષ્ણુનું શણગાર અને અભિષેક કરવામાં આવે છે.
ધાર્મિક મહત્તા: નર-નારાયણ તપસ્થળ
બદ્રીનાથ મંદિર માત્ર ભગવાન વિષ્ણુનું નહિ, પણ તેમના નર-નારાયણ સ્વરૂપનું તપસ્થળ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં ભગવાને નર અને નારાયણ રૂપે તપસ્યા કરી હતી. તેથી મંદિરમાં શ્રી વિષ્ણુની મૂર્તિ સાથે ધ્યાનસ્થ નર-નારાયણની મૂર્તિઓ પણ ગર્ભગૃહમાં સ્થાપિત છે.
દરશનનો સમય અને યાત્રાનો માર્ગદર્શન
- કપાટ ખુલવા ની તારીખ: 4 મે, 2025
- દરશનનો સમય: સવારે 6:00 થી સાંજના 8:00
- સ્થળ: બદ્રીનાથ ધામ, ચમોલી જિલ્લો, ઉત્તરાખંડ
- ઍક્સેસ: યાત્રાળુઓ માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય છે (ઈ-યાત્રા પોર્ટલ મારફતે)
આવા વધુ અખૂટ ધાર્મિક સમાચારો માટે જોડાયેલા રહો “જાગૃતિ ન્યૂઝ ગુજરાતી” સાથે – અહીં મળે છે દેશ-વિદેશની સાચી, તાજી અને સતર્ક માહિતી.