જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા પછી પાકિસ્તાનમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે. ભારતની શક્ય જવાબી કાર્યવાહીથી ચકચંદ બનેલા પાકિસ્તાને પોતાની વાયુસેનાને એલર્ટ પર મૂકી છે અને સરહદી વિસ્તારોમાં ભારે પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લાહોર, કરાચી, પેશાવર, રાવલપિંડી અને ઇસ્લામાબાદ સહિતના મહત્ત્વના શહેરોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ અધિકૃત કાશ્મીર એટલે કે (POK) વિસ્તારમાં પણ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં સર્જિકલ અથવા એરસ્ટ્રાઇકની આશંકા
પાકિસ્તાનને આશંકા છે કે ભારત પૂર્વની જેમ ફરી સર્જિકલ સ્ટ્રાઇક કે એરસ્ટ્રાઇક જેવા પગલાં ભરી શકે છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હુમલાના દોષીઓને ક્યારેય માફ કરવામાં નહીં આવે અને સખત પગલાં લેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ, હુમલો એવા સમયે થયો હતો જ્યારે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ પહેલગામ વિસ્તારમાં ફરતા હતા. હુમલાખોરે પ્રવાસીઓને પૂછ્યું કે તેઓ મુસ્લિમ છે કે નહિ – ના જવાબ મળતાં જ ગોળીબાર શરૂ કર્યો.
28 નિર્દોષ લોકોના મોત, વિદેશી નાગરિકો પણ શિકાર
આ ઘટના ઘણી ગંભીર અને દુઃખદ છે. મળતી માહિતી પ્રમાણે હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વધુમાં, આ હુમલામાં બે વિદેશી નાગરિકો – એક સાઉદી અરેબિયાનો અને એક નેપાળનો પ્રવાસી એ પણ જીવ ગુમાવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
LOC પર ભારતીય સેનાની તૈનાતી વધુ મજબૂત
ભારતીય સેના અને વાયુસેનાએ જમ્મુ-કાશ્મીરમાં તાકીદે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. LOC પર ડ્રોન અને હવાઈ નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યા છે અને તમામ યુનિટ્સને હાઇઅલર્ટ પર રાખવામાં આવ્યા છે.જાગૃતિ ન્યૂઝ ગુજરાતી આવી ઘટનાના તમામ અપડેટ્સ ઝડપી અને વિશ્વસનીય રીતે લાવવામાં પ્રતિબદ્ધ છે. વધુ માહિતી માટે જોડાયેલા રહો!