મોદી સરકાર 6G માટે તેજ ગતિએ આગળ વધી રહી છે. 5G કરતા 100 ગણી ઝડપી ઈન્ટરનેટ માટે 300 કરોડના સંશોધન પ્રોજેક્ટ્સને મંજૂરી મળી.
શું તમે કલ્પના કરી શકો કે માત્ર એક સેકંડમાં આખી ફિલ્મ ડાઉનલોડ થઈ શકે? હા, હવે આ હકીકત બની શકે છે! મોદી સરકાર 5G પછી હવે 6G માટે જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે – અને સ્પીડ હશે 5G કરતા આખી 100 ગણી વધુ!
તાજેતરમાં યોજાયેલી India 6G 2025 Conference દરમિયાન દૂરસંચાર રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ એવી માહિતી આપી કે દેશમાં 111થી વધુ સંશોધન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દેવાઈ છે અને 300 કરોડ રૂપિયાનું વિશાળ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
6G ટેકનોલોજી – એક સેકન્ડમાં 1 ટેરાબિટ સુધીની સ્પીડ
6G નેટવર્ક ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડ પર કાર્ય કરશે, જેની કારણે સ્પીડ 1 Tbps (ટેરાબિટ/સેકન્ડ) સુધી પહોંચી શકે છે. આવું થાય તો…
- મોટી ફાઇલો પળવારમાં ડાઉનલોડ થશે.
- વીડિયો કોલિંગ હશે વધુ સ્પષ્ટ અને લેગ-ફ્રી.
- OTT પર મૂવીજ જોતી વખતે કોઈ બ્રફરિંગ નહીં.
- AR/VR અને હાઈએન્ડ ગેમિંગ અનુભવ થશે અજોડ.
એટલું જ નહીં, 6G નો ઉપયોગ ઉદ્યોગો, સ્માર્ટ સિટીઝ, ઓટોમેશન, કૃષિ, હેલ્થટેક, મેન્યુફેક્ચરિંગ જેવા અનેક ક્ષેત્રોમાં થઈ શકે છે – એટલે કે આ ફક્ત નેટ નથી, એક નવો યુગ છે.
ભારતનું લક્ષ્ય – વૈશ્વિક 6G નેતૃત્વ
મંત્રી પેમ્માસાનીએ જણાવ્યું હતું કે ભારત પાસે વૈજ્ઞાનિકો અને ઇજનેરોની એવી પ્રતિભા છે કે દેશ 6G ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. આજે ભારત 6G પેટેન્ટ ફાઈલ કરવાના મામલે ટોચના 6 દેશોમાં સામેલ છે – અને આ આપમેળે દેશની ટેક્નોલોજીકલ પ્રતિષ્ઠા વધારશે.
6G થી દેશના અર્થતંત્રમાં 1 ટ્રિલિયન ડોલરનો ફાળો?
શું તમે જાણો છો કે જો 6G યોગ્ય રીતે વિકસે, તો એ 2035 સુધીમાં ભારતના જીડીપીમાં લગભગ 1 ટ્રિલિયન અમેરિકી ડોલરનો ફાળો આપી શકે છે? આ ટેકનોલોજી માત્ર નેટ સ્પીડ નથી, આ ભવિષ્યના નાણાકીય વિકાસનો કી-ફેક્ટર બની શકે છે.
સામાન્ય લોકો માટે ક્યારે આવશે 6G?
હાલમાં સાવ ચોક્કસ તારીખ જાહેર થઈ નથી. પણ નિષ્ણાતો મુજબ, 2030 સુધીમાં સામાન્ય લોકોને 6G સેવા મળવાની પૂરી શક્યતા છે. ભારત હવે ઝડપથી આ દિશામાં આગળ વધી રહ્યું છે. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી મોટી કંપનીઓ પણ પોતાનો ફોકસ 6G પર મૂકી રહી છે.
એક નવો યુગ શરૂ થવાનો છે… તમે તૈયાર છો?
6G ફક્ત એક નવું નેટવર્ક નહીં પણ એક નવો યુગ છે – જ્યાં ઘરો, શહેરો, વાહનો, ફેક્ટરીઓ બધું સ્માર્ટ બનશે. ભારતીય યુવાનો અને ઉદ્યોગો માટે આ એક સુવર્ણ તક છે.