22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના જીવ ગયા છે. આ ઘટનાએ દેશભરમાં ભારે ગુસ્સો ફેલાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સામે નીતિગત સ્તરે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ક્રિકેટના મંચ પર પણ તેની અસર જોવા મળી રહી છે.
ભારતીય ક્રિકેટ નિયામક બોર્ડ (BCCI) દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને પત્ર લખવામાં આવ્યો છે જેમાં વિનંતી કરવામાં આવી છે કે ભવિષ્યની ICC ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં ન રાખવામાં આવે. BCCIનો આશય એ છે કે આ બંને દેશો વચ્ચે મેચોની સંખ્યા ઓછામાં ઓછી રહે.
BCCIએ ICCને મોકલ્યો ખાસ પત્ર
ક્રિકબઝના અહેવાલ અનુસાર, BCCI પાકિસ્તાન સામે માત્ર ટૂર્નામેન્ટના નોકઆઉટ મુકાબલાઓમાં સામનો કરવા માગે છે, ગ્રુપ સ્ટેજમાં નહીં. આ પગલાં વડે પાકિસ્તાન સામે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. અગાઉ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ભારત સરકારની નીતિ મુજબ ભારત હવે દ્વિપક્ષીય શ્રેણી(બે દેશો વચ્ચે રમાતી ક્રિકેટ સીરીઝ જેમાં ત્રીજો દેશ ભાગ નથી લેતો ) ક્યારેય પાકિસ્તાન સામે નહીં રમે.
2025ના એશિયા કપ અને મહિલા વર્લ્ડ કપ પણ અસરગ્રસ્ત
આ વર્ષ ભારત ખાતે એશિયા કપ અને મહિલા વર્લ્ડ કપ યોજાવાનાં છે. પાકિસ્તાનના નક્કી કરેલા વલણને ધ્યાને રાખી, ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની મહિલા ટીમ તટસ્થ સ્થળે મેચ રમી શકે છે. T20 ફોર્મેટમાં યોજાનાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ભીડાઈ શકે છે, પરંતુ હવે ટૂર્નામેન્ટના શિડ્યુલ પર સવાલો ઉભા થાય છે.
આ મામલે હવે નજર રાખવામાં આવી રહી છે કે ICC BCCIના સૂચનોને કઈ રીતે લે છે અને એશિયા કપ સહિતના ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે ટક્કરો ટળી શકે છે કે નહીં.