સુરેન્દ્રનગર, ૨૨ એપ્રિલ – રાજ્યમાં અવારનવાર લૂંટ અને ગુનાખોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને શહેરોની બિઝી માર્કેટમાં લૂંટારૂઓ હવે ધોળા દિવસે પણ ખડકાઈને ગુનાઓ આંચકી રહ્યા છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના મધ્યમાં આવેલ મિલન જવેલર્સ નામની દુકાનમાં થયેલી લૂંટની ઘટના એ આ વાતને વધુ એકવાર સાબિત કરી છે.
દુકાનમાં ઘૂસી વેપારીને માર મારી લૂંટ ચલાવાઈ
મળતી માહિતી અનુસાર, ત્રણ અજાણ્યા શખ્સોએ લીંબડીના જૈન દેરાસર પાસે આવેલી મિલન જ્વેલર્સમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારૂઓએ દુકાનમાં હાજર વેપારીને શારીરિક ઇજા પહોંચાડી અને બાદમાં દુકાનમાંથી કિંમતી સોનાના દાગીના તેમજ મોટી રકમની રોકડ લૂંટી નાસી છૂટ્યા હતા. આખી ઘટના માત્ર થોડી જ મિનિટોમાં બની ગઈ હોવાના અહેવાલ છે.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ
ઘટનાની જાણ થતાંજ લીંબડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને દુકાનદારને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તાપસ હાથ ધરવામાં આવી રહી છે અને લૂંટારા શખ્સોની ઓળખ માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.
વેપારી વર્ગમાં ભયનો માહોલ
આ ઘટનાઓને પગલે સ્થાનિક વેપારીઓમાં ભયનું માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ પોલીસ વિભાગને વધુ ચુસ્ત બંદોબસ્ત કરવા તેમજ આવી ઘટનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી ઊઠાવી છે.