ટાટા મોટર્સની લોકપ્રિય ઈલેક્ટ્રિક SUV – Nexon EV – હવે માત્ર પર્ફોર્મન્સમાં નહીં પણ સલામતીમાં પણ ટોચ પર પહોંચી ગઈ છે. તાજેતરમાં Bharat NCAP દ્વારા લેવાયેલા ક્રેશ ટેસ્ટમાં આ કારના 45 kWh વેરિઅન્ટને 5 સ્ટાર સલામતી રેટિંગ મળ્યું છે, જે તેને ભારતીય ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં સલામતીના દ્રષ્ટિએ મજબૂત વિકલ્પ બનાવે છે.
ક્રેશ ટેસ્ટમાં મળેલા સ્કોર
ભારત NCAP દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, પુખ્ત વયના ઓક્યુપન્ટ માટે Nexon EV એ 32 માંથી 29.86 પોઈન્ટ મેળવ્યા છે. ફ્રન્ટલ ઓફસેટ ડિફોર્મેબલ બેરિયર ટેસ્ટમાં 16 માંથી 14.26 પોઈન્ટ અને સાઇડ બેરિયર ટેસ્ટમાં 16 માંથી 15.60 પોઈન્ટ પ્રાપ્ત થયા છે. બાળ ઓક્યુપન્ટ સુરક્ષા માટે કારને 49 માંથી 44.95 પોઈન્ટ મળ્યા છે.
ડાયનેમિક સ્કોર 24 માંથી 23.95, CRS ઇન્સ્ટોલેશન માટે 12 માંથી 12 અને વાહન મૂલ્યાંકન સ્કોર તરીકે 13 માંથી 9 પોઈન્ટ મળ્યા છે. આ સ્કોરિંગ દર્શાવે છે કે કારની અંદર સુરક્ષાની મજબૂત વ્યવસ્થા છે – જે ડ્રાઈવર અને મુસાફરો બંને માટે વિશ્વાસજોગ બનાવે છે.
મુખ્ય સલામતી સુવિધાઓ
ટાટા નેક્સોન EVમાં 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ફ્રન્ટ અને રીઅર પાર્કિંગ સેન્સર્સ તેમજ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) જેવી એડવાન્સ સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ફીચર્સને કારણે અકસ્માત સમયે જાનહાનિની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઓછી થઈ શકે છે.
પાવર, બેટરી અને રેન્જ
નવાં મોડલમાં બે બેટરી વિકલ્પ આપવામાં આવ્યા છે – 30 kWh અને 45 kWh. ખાસ કરીને 45 kWh વેરિઅન્ટ 145 PS પાવર અને 215 Nm ટોર્ક જનરેટ કરે છે. કાર એકવાર સંપૂર્ણ રીતે ચાર્જ થયા પછી 489 કિમી સુધીની રેન્જ આપે છે. સ્પીડની વાત કરીએ તો, 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર 8.9 સેકન્ડમાં પકડી શકે છે.
કિંમત અને માર્કેટમાં લોકપ્રિયતા
ટાટા નેક્સોન EV ની એક્સ-શોરૂમ કિંમત ₹12.49 લાખથી શરૂ થાય છે અને ₹17.19 લાખ સુધી જાય છે. ડિઝાઇનના મામલે કેટલાક યુઝર્સ સુધારાની વાત કરે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે સલામતી, ટેક્નોલોજી અને ઇલેક્ટ્રિક પાવરટ્રેનની દ્રષ્ટિએ Nexon EV એક સર્વોત્તમ SUV છે.